વૃક્ષ એક જીવંત દેવતા
વૃક્ષોને આપણા ઋષિમુનિઓએ જીવતા જાગતા દેવો કહ્યા છે. વૃક્ષો વાતાવરણને સુંદર, સુગંધિત અને શીતળ બનાવી દે છે. તેમના સાંનિધ્યમાં સ્વર્ગીય આનંદનો અનુભવ થાય છે અને મનને શાંતિ મળે છે. પ્રકૃતિ મનુષ્યને ઉદાર બનાવે છે. હરિયાળાં વૃક્ષો આપણને સુખદ છાયા અને શીતળતાની સાથે સાથે બીજા પણ અમૂલ્ય ઉપહારો આપે છે. પ્રકૃતિએ આપણને ઘણું બધું આપ્યું છે, પરંતુ તેમાં વૃક્ષોનું સ્થાન સર્વોપરી છે. વૃક્ષો ચિરંતનકાળથી જ માણસના સાચા સાથી રહ્યાં છે. તેમની છાયામાં બેસીને માણસ પોતાનો થાક દૂર કરે છે અને તેમનાં ફળો ખાઈને પોતાની ભૂખને શાંત કરે છે, આથી વૃક્ષોને મનુષ્યનો આશ્રયદાતા માનવામાં આવે છે. વૃક્ષો ધરતીની શોભા વધારે છે. તેમના પર ખીલતાં રંગબેરંગી ફૂલો ચારેય બાજુ સૌંદર્ય વિખેરે છે અને વાતાવરણને સુગંધિત બનાવે છે. જો પૃથ્વી પર વૃક્ષો ન હોય તો પૃથ્વી સ્મશાન જેવી ડરામણી અને ભયંકર લાગે. વળી વૃક્ષોના લીધે જ વરસાદ પડે છે, તો બીજી બાજુ વરસાદના કારણે જ ધરતી પર હરિયાળી છવાઈ જાય છે. વૃક્ષો જ પોતાની હરિયાળીના કારણે વાતાવરણને જીવંત અને ખુશનુમા બનાવી દે છે.આપણી સનાતન સંસ્કૃતિમાં વૃક્ષોને દેવતા માનવામાં આવ્યાં છે. એનું કારણ એ છે કે તેઓ ઑક્સિજનના રૂપમાં આપણને નવજીવન આપે છે. આથી જો વાતાવરણને પ્રદૂષણમુક્ત રાખવું હોય તો વૃક્ષોનું રક્ષણ કરવું તે આપણો ધર્મ બની જાય છે. વૃક્ષોની સર્વ રીતે ઉપયોગિતા જોઈને જ પુરાતનકાળથી આપણા ઋષિમુનિઓએ વૃક્ષોને દેવતા કહ્યાં છે. વૃક્ષોની છાયામાં બેસીને જ આપણા ઋષિમુનિઓએ અમૂલ્ય ગ્રંથોની રચના કરી હતી. વૃક્ષોની નીચે બેસીને જ તેમણે ઉગ્ર તપશ્ચર્યા પણ કરી હતી. વૃક્ષોના સાંનિધ્યમાં જ તેમણે વિકાસ સાધ્યો હતો. આથી વૃક્ષો પ્રત્યે આજે પણ મનુષ્યના મનમાં અપાર શ્રદ્ધાનો ભાવ રહેલો છે. દેવી દેવતાઓની પૂજા પણ વૃક્ષોનાં ફૂલો તથા પાનથી કરવામાં આવે છે. દેવાલયોની આસપાસ વૃક્ષો ઉછેરવાની પરંપરા રહી છે, જેથી મંદિરનું વાતાવરણ વધારે શાંત તથા શીતળ રહે. વૃક્ષોની નીચે બેસીને જ ઋષિમુનિઓ તથા દેવતાઓએ પરમજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.પુરાણોમાં તથા બીજાં અનેક શાસ્ત્રોમાં અને આપણા વેદોમાં વૃક્ષો તથા વનસ્પતિઓનું વર્ણન જોવા મળે છે. વડ તથા પીપળા જેવાં વૃક્ષોને દેવ માનીને તેમની પૂજા કરવામાં આવે છે. પુરાતનકાળમાં સોમની ઉપાસના કરવામાં આવતી હતી. ઋગ્વેદમાં તે રહસ્યમય, મતિભ્રમ કરનારી જડીબુટ્ટીનો ઉલ્લેખ આવે છે. સોમ છોડ પણ છે અને દેવતા પણ છે. સોમવેલને વાટીને તેનો રસ કાઢીને અમુક ખાસ અનુષ્ઠાનમાં તે અગ્નિને સમર્પિત કરવામાં આવે છે, જેથી ઈન્દ્રદેવનું આવાહન કરીને તેમને શાંત કરી શકાય.અથર્વવેદમાં આપણે દર્ભ, ધરો (દૂર્વા) જવ વગેરેની ઉપાસના થતી જોઈ શકીએ છીએ. આજે હજારો વર્ષો પછી પણ પૂજા તથા યજ્ઞોમાં ચોખા તથા જવનો ઉપયોગ થાય છે. વૈદિકકાળની જંગલની દેવી અરણ્યાને આજે પણ ગામડાના લોકો વનદેવી કે વનચંડીના રૂપમાં પૂજે છે. સુંદરવનમાં રહેતા મુસલમાનો તેને વાનબીબીના રૂપમાં પૂજે છે. કળામાં શાલભંજિકાની છબી સૌથી વધારે લોકપ્રિય છે. એ ચિત્રમાં એક સ્ત્રીને સાલ કે અશોક વૃક્ષની એક ડાળખી ધારણ કરેલી બતાવવામાં આવે છે. બુદ્ધને જન્મ આપતી વખતે તેમની માતાએ પણ એ જ મુદ્રા ધારણ કરી હતી. આમ બૌદ્ધો માટે પણ વૃક્ષો પૂજનીય હતાં. બુદ્ધે પીપળાના વૃક્ષ નીચે તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભગવાન મહાવીરે સાલના વૃક્ષ નીચે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. પહેલા તીર્થંકર ઋષભદેવ માટે બોર પૂજનીય છે.હિંદુ તપસ્વીઓ મોટાભાગે વડની નીચે બેસીને તપ કરતા જોવા મળે છે. હિંદુધર્મમાં પીપળાનું પણ વિશેષ મહત્ત્વ છે. પીપળાને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર વૃક્ષોમાં બધાં દેવીદેવતાઓનો અને આપણા પિતૃઓનો વાસ માનવામાં આવ્યો છે. પીપળાને વિષ્ણુ ભગવાનનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. પુરાણો અનુસાર પીપળાના મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને ઉપરના ભાગમાં ભગવાન શિવનો વાસ હોય છે. શાસ્ત્રો અનુસાર પીપળાની વિધિપૂર્વક પૂજા કરવાથી બધા દેવતાઓની પૂજા થઈ જાય છે. પીપળાને આટલું બધું મહત્ત્વ આપવાનું કારણ એ છે કે પીપળો ચોવીસેય કલાક ઑક્સિજન આપે છે.નવરાત્રી દરમ્યાન બધી વનસ્પતિઓની માતા શાકંભરીના રૂપમાં દુર્ગામાતાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં જે નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે તે વાસ્તવમાં ઔષધીય ગુણોવાળા અને સ્ટાર્ચથી ભરપૂર છોડ છે. તે નવ છોડ છે - કેળ, હળદર, દાડમ, બીલી, ડાંગર, અશોક, જયંતી, અરુમ અને અળવી. આ નવ છોડને અપરાજિતા વેલથી બાંધવામાં આવે છે. મહારાષ્ટ્રમાં દશેરા પર આપ્ટાનાં પાન વહેંચવામાં આવે છે કારણ કે તે સોનાના સિક્કા જેવાં દેખાય છે. તે સમૃદ્ધિનું પ્રતીક છે. આપ્ટા એક ઔષધીય છોડ છે. તે ખૂબ ઉપયોગી છે.મા દુર્ગા પહેલાં ભગવાન ગણેશજીની પૂજા થાય છે. તેમની પૂજામાં ૨૧ છોડનાં પાન ચઢાવવામાં આવે છે - સમડો, ભૃંગી, બીલી, ધરો, બોરડી, ધતૂરો, તુલસી, સીમળો, અપામાર્ગ, કંટકારી, સિંદુર, તેજપત્ર, અગસ્ત્ય, કરેણ, કદલી, આકડો, અર્જુન (સાદડ), દેવદાર, ગંડારી, મરુઆ અને કેતકી. આમાંના મોટાભાગના ઔષધીય છોડ છે, તો કેટલાક ઝેરી પણ છે. આજે પૂજામાં નારિયેળ, સોપારી તથા નાગરવેલનાં પાન વપરાય છે. દક્ષિણ ભારતમાં સાપ અને દેવીઓ સાથે જોડાયેલા ચંદન, આમલી અને લીમડાનાં વૃક્ષોવાળા બગીચા હોય છે. આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતમાં વૃક્ષ વનસ્પતિને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું.વડના વૃક્ષ નીચે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ હતી, એટલે તેને બોધિવૃક્ષ પણ કહેવામાં આવે છે. વડની નીચે સાવિત્રીએ સત્યવાનને યમરાજના પાશમાંથી મુક્ત કરાવ્યો હતો.ભગવાન શિવ મોટાભાગે વટવૃક્ષની નીચે સમાધિ લગાવે છે, તેથી વડને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. વડ તેની વિશાળતાના કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. પરાશર મુનિએ ‘વટમૂલે તપોવાસઃ’ કહીને વડની મહત્તા તથા પવિત્રતા બતાવી છે. તેમના મતે વડમાં ત્રણ દેવો - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. ભારતીય સંસ્કૃતિમાં વડ ઉપરાંત તુલસી, લીમડો, બીલી, આમળાં, અશોક, આંબો, ખાખરો, સમડો, કેળ વગેરે વૃક્ષોને પણ પવિત્ર માનવામાં આવે છે.જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહો અને સત્યાવીસ નક્ષત્રોનો ઉલ્લેખ છે. જન્મતિથિ અનુસાર માણસ પર તે નવગ્રહોનો પ્રભાવ પડે છે. આપણા શરીરમાં જે સૂક્ષ્મચક્રો, ગ્રંથિઓ તથા મુખ્ય ઊર્જાકેન્દ્રો છે તેમના માધ્યમથી આ ગ્રહો તથા નક્ષત્રોની ઊર્જા આપણા શરીરમાં પ્રવેશે છે. જે રીતે નવ ગ્રહો અને નક્ષત્રોના વિશેષ મંત્રો, રત્નો તથા રંગ હોય છે એ જ રીતે તેમના સંબંધિત વૃક્ષો પણ હોય છે, જેમ કે સૂર્ય - બીલી, ચંદ્ર - ખાખરો, મંગળ-ખેર, બુધ - અઘેડો, ગુરુ-પીપળો, શુક્ર-ઉમરડો, શનિ - શમી તથા મંદાર, રાહુ - ધરો તથા ચંદન, કેતુ - દર્ભ તથા અશ્વગંધા.બધાં વૃક્ષોમાં પીપળો એક એવું વૃક્ષ છે, જેને કોઈ સડો લાગતો નથી. હિંદુ ધર્મમાં પીપળાનું વૃક્ષ કાપવાને પાપ માનવામાં આવ્યું છે. તે ચોવીસેય કલાક ઑક્સિજન આપે છે.બીલીનાં પાન ભગવાન શિવને અત્યંત પ્રિય છે, આથી તેમને પ્રસન્ન કરવા માટે બિલ્વપત્ર ચડાવવામાં આવે છે. બિલ્વપત્રનો મહિમા ગાતું બિલ્વાષ્ટકમ્ સ્તોત્ર પણ છે. એમાં તેના આધ્યાત્મિક ગુણોનું વર્ણન છે. બીલું પેટને લગતાં રોગોમાં ખૂબ ઉપયોગી છે. સતીએ ભગવાન શંકરને પ્રસન્ન કરવા હરિદ્વારમાં આવેલા બિલ્વકેશ્વર મંદિરમાં બિલ્વપત્રોથી પૂજા કરી હતી.આંબો બધાને અત્યંત પ્રિય વૃક્ષ છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. પંચામૃતમાં હરિપ્રિયા તુલસી અનિવાર્ય છે. તે અનેક રોગોમાં ઉપયોગી છે અને પર્યાવરણને શુદ્ધ કરે છે, આથી દરેક હિંદુના ઘેર તુલસીનો છોડ જોવા મળે છે અને સવારસાંજ તેનું પૂજન પણ કરવામાં આવે છે.
2 કલાક પેહલા
ડિજિટલ ડિટોક્સનો સામૂહિક પ્રયાસ
આજે આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ. તેમાં વધતા જતા સ્ક્રીનટાઈમની સાથે માનસિક તણાવ પણ વધી રહ્યો છે. ઊંઘ પૂરી ન થવાની સાથે સાથે બીજી અનેક શારીરિક સમસ્યાઓનું જોખમ વધી રહ્યું છે. માણસ પરિવાર તથા જગતથી દૂર જઈ રહ્યો છે. તે પોતાનાં કર્તવ્યો સારી રીતે નિભાવી શકતો નથી. જીવનની ઉત્પાદકતા ઘટી રહી છે, પરિવારો તૂટી રહ્યા છે તથા સમાજના માળખા ઉપર પણ વિપરીત અસર થઈ રહી છે. આથી માત્ર વ્યક્તિગત રૂપે જ નહિ, પરંતુ સામૂહિક સ્તરે પણ ડિજિટલ ડિટોક્સની જરૂરિયાત અનુભવાઈ રહી છે.આવી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના વડગામની ચર્ચા કરવી જરૂરી છે. તેમણે સામુદાયિક સ્તરે ડિજિટલ ડિટોક્સનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એ ગામમાં સાંજે સાત વાગે સાયરન વગાડવામાં આવે છે. એનો અર્થ એ છે કે બધા લોકોએ પોતાના મોબાઈલ, સોશિયલ મીડિયા, ટી.વી. વગેરે બંધ કરી દેવાં.ગામના લોકો માટે તે ડિજિટલ ડિટોક્સનો સમય હોય છે. એ વખતે તેઓ લગભગ દોઢ કલાક સુધી ટેકનોલોજીથી દૂર રહીને અધ્યયન, મનન, ચિંતન અને વાર્તાલાપમાં પોતાનો સમય વ્યતીત કરે છે. પોતાના પરિવારના સભ્યો સાથે જીવે છે. દરરોજ સાંજે સાતથી સાડા આઠ સુધી બધા લોકો આ અદ્ભુત સામાજિક અનુશાસનનું પાલન કરે છે. આજે બધા લોકો ડિજિટલ એડિક્શનનો શિકાર થઈ રહ્યા છે અને તેના દુષ્પ્રભાવના નિરાકરણ માટે ઘણા લોકોને ડિજિટલ ડિટોક્સ ક્લીનિકમાં જવું પડે છે. આવી પરિસ્થિતિમાં વડગામનું ઉદાહરણ અનુકરણીય છે.જો લોકો ઈચ્છે તો એમાંથી પ્રેરણા લઈને પરસ્પર વાતચીત, પારિવારિક આત્મીયતા, અધ્યયન, સામૂહિક પ્રાર્થના વગેરે પ્રવૃત્તિઓ અપનાવીને ડિજિટલ વ્યસનની ખરાબ અસરથી બચી શકે છે. વડગામમાં આ પરંપરાની શરૂઆત કોવિડ લોકડાઉન પછી થઈ હતી. એ વખતે નાના, મોટા, પુરુષ, સ્ત્રી એમ બધાં જ ડિજિટલ ઉપકરણોના વ્યસની બની ગયાં હતાં. બાળકોના અભ્યાસ ઉપર તેની બહુ ખરાબ અસર થઈ રહી હતી અને પારિવારિક સંવાદ પણ લગભગ બંધ થઈ ગયો હતો.આવી પરિસ્થિતિમાં સામૂહિક રૂપે ડિજિટલ સાધનોથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિયમનું સારી રીતે પાલન થાય એના માટે દરેક વોર્ડમાં ચેકિંગ માટે ટુકડીઓ પણ બનાવવામાં આવી હતી. સાંજના એ ડિજિટલ વિરામના સમય દરમ્યાન બાળકો તથા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરે છે. મોટેરાઓ અને વૃદ્ધો પારિવારિક કાર્યો તથા બીજા ઉપયોગી વિષયો પર ચર્ચા કરે છે અને પ્રેરણાદાયક વાર્તાઓ તથા ઉદાહરણો સંભળાવી જ્ઞાનવૃદ્ધિ કરે છે.આ સમય દરમ્યાન લોકો ગામના ચોરે ભેગા થાય છે અને ગામની સમસ્યાઓ તથા વિકાસના મુદ્દા પર ચર્ચા કરે છે. કેટલાક લોકો ભેગા મળીને રમતો રમે છે, મનોરંજન કરે છે અથવા બીજી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. ટૂંકમાં આ રીતે બધા લોકો ડિજિટલ ઉપકરણોથી દૂર રહીને સર્જનાત્મક તથા લોકકલ્યાણની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે.સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ નિયમોનું પાલન સામૂહિક સહમતીના આધારે કરવામાં આવે છે. એમાં કોઈપણ પ્રકારની જબરદસ્તી કરવામાં આવતી નથી કે કોઈ દંડ પણ કરવામાં આવતો નથી. જો કે આ નિયમનો અમલ થાય એના માટે સ્થાનિક સમિતિઓ સતર્ક રહે છે. એના પરિણામે આ નિયમનું સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે.એના પરિણામ સ્વરૂપે બાળકોના અભ્યાસમાં ઘણો સુધારો થયો છે. પહેલાં બાળકો મોબાઈલ પર મોડી રાત સુધી વીડિયો જોયા કરતાં હતાં. એના બદલે હવે તેઓ સમયસર ઊંઘી જાય છે અને વ્યવસ્થિત રીતે અભ્યાસ પણ કરે છે.વિશેષજ્ઞોના મત અનુસાર ડિજિટલ વિકાસની સાથે સાથે મોબાઈલના કારણે લાગતા તથા તણાવમાંથી મુક્તિ મળે છે. ઊંઘ સારી આવે છે અને કૌટુંબિક સંબંધોમાં પણ સુધારો થાય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો આવા નીતિનિયમો સ્વૈચ્છિક હોય અને એમાં મુશ્કેલ સમયની સમસ્યાઓને દૂર કરવાની વ્યવસ્થા હોય તો જ તે સફળ થાય છે. વધારે પડતા કડક નિયમોના બદલે સમયની જરૂરિયાત અનુસાર તેમાં ફેરફાર કરવો શ્રેયસ્કર રહે છે.આ પ્રયોગ કરવાથી બાળકોના અભ્યાસ તથા પરીક્ષાના પરિણામમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. પહેલાં બાળકોને સરખી ઊંઘ આવતી ન હતી અને ભણવામાં તેમનું મન લાગતું ન હતું, પરંતુ આ પ્રયોગથી હવે તેઓ એકાગ્રચિત્તે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી શકે છે. તેમની સમજશક્તિ તથા યાદશક્તિમાં પણ વધારો થયો છે.ટી.વી. તથા વીડિયો ગેમ્સ રમવામાં બાળકોનો ઘણો સમય બરબાદ થતો હતો. એના બદલે હવે તેઓ એકાંતમાં બેસીને ધ્યાનપૂર્વક અભ્યાસ તથા સ્કૂલમાંથી આપેલું ગૃહકાર્ય નિયમિત સમયે કરે છે. આ ઉપરાંત તેમના પારિવારિક સંબંધોમાં પણ સુધારો જોવા મળ્યો છે. પહેલાં તેઓ સાંજના સમયે ટી.વી. સિરિયલો જોતાં હતાં, મોબાઈલમાં રમતો રમતાં હતાં અને સોશિયલ મીડિયામાં ઘણો સમય બરબાદ કરતાં હતાં. પરિવારના બધા સભ્યો પોતપોતાના મોબાઈલમાં જ ખોવાયેલા રહેતા હતા, પરંતુ હવે એના બદલે સાયરન વાગતાં જ મોબાઈલ મૂકી દેવામાં આવે છે અને પરિવારના સભ્યો એકબીજા સાથે વાતચીત કરે છે. ઘરનાં કાર્યો બધા હળીમળીને કરે છે. વૃદ્ધો બાળકો સાથે બેસીને આનંદ અનુભવે છે અને તેઓ તેમને વાર્તાઓ સંભળાવે છે તથા બીજી પ્રેરણાદાયક વાતો કહે છે. તેમને એકલતા સાલતી નથી. મહિલાઓ ભેગી થઈને ઘરનાં બધા કામ કરે છે. આ બધાના પરિણામે ઘરમાં લડાઈઝઘડા, કલેશકંકાસ તથા તણાવનું પ્રમાણ ઘટી ગયું છે. લોકો ભાવનાત્મક રૂપે એકબીજાની નજીક આવ્યા છે.મોબાઈલ તથા ટી.વી. પાછળ બરબાદ થતો સમય ઘટવાથી લોકોને ઊંઘવા માટે પૂરતો સમય મળે છે. એના પરિણામે માનસિક થાક લાગતો નથી. સ્વભાવમાં ઘૂસી ગયેલું ચીડિયાપણું દૂર થઈ ગયું છે. લોકો સવારે ઊઠે ત્યારે તાજગી અને પ્રસન્નતા અનુભવે છે. એના પરિણામે આખો દિવસ તેઓ સંપૂર્ણ તાજગીથી કામ કરી શકે છે. આવા બધા લાભ જોઈને કેટલાક પરિવારોએ તો દર અઠવાડિયે એક દિવસ ડિજિટલ સાધનોનો ઉપયોગ નહિ કરવાનો નિશ્ચય કર્યો છે. પરિવારના બધા સભ્યો સોશિયલ મીડિયાથી દૂર રહે છે.વડગામનો આ અનુકરણીય પ્રયત્ન પ્રેરણાદાયક ઉદાહરણ બની ગયો છે. જે લોકોને તથા જે પરિવારોમાં બધાને ડિજિટલ સાધનોનું વ્યસન થઈ ગયું હોય તેઓ પોતાની એ કુટેવને છોડવા માટે આમાંથી પ્રેરણા મેળવી શકે છે. આજે મોબાઈલના કારણે બાળકોનું જીવન અને સ્વાસ્થ્ય બંને પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે. તેને દૂર કરવા દરેક પરિવારે પોતાના ઘરમાં પણ વડગામના લોકો જેવો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. એના પરિવારમાં પ્રેમ, એકતા તથા આત્મીયતા વધશે અને દરેક સભ્યને આનંદની અનુભૂતિ થશે.
18 કલાક પેહલા
ટિપ્પણીઓ
1 ટિપ્પણીઓ